ધોળાવીરા ની આ કલ્પના કથા આપણા કચ્છના ઇતિહાસને લગતી વાર્તાઓનો પ્રથમ મણકો છે
ધોળાવીરા નગર કેવું હતું? તેના રહેવાસીઓ કેવા હતા? તે આ વાર્તા વાંચીને જાણવા મળશે. તે શા માટે નષ્ટ થયું તે રહસ્ય પણ જાણવા મળશે.
.... અને હા ત્યાં કોઈ શસ્ત્રો નથી મળ્યા ત્યાં કોઈ સૈન્યની હાજરી નથી મળી. આપણા કોઈ પરંપરાગત ઈશ્વરની કોઈ પ્રતિમા કે પ્રાર્થના સ્થળના કોઈ પુરાવા પણ નથી મળ્યા.
એટલે જ વાર્તામાં જે નામોનો પ્રયોગ કર્યો છે તે નામોનો સંબંધ કોઈ જ દેવી-દેવતાઓ સાથે નથી!
તો ચાલો 10 મિનિટ કાઢી અને આ વાર્તામાં ડૂબી જાવ...!
🌸🌸🌸🌸🌸
"વારિણી!" કહેતાંકને શ્રેષ્ઠાએ એની સખી વારિણીનો હાથ પકડી લીધો અને કહ્યું, "વારિણી, ચાલ આજે આપણે કોઈ નવી જગ્યાએ જઈએ. રોજ રોજ એકની જ જગ્યાએ જઈને કંટાળી જવાય છે. આજે આપણે એવી જગ્યાએ જઈએ જ્યાં પહેલા ક્યારેય ન ગયા હોઈએ." ચંચળ વારિણીએ પોતાનો હાથ છોડાવ્યો અને પોતાની મોટી મોટી આંખો ફેરવીને શ્રેષ્ઠા સામે જોયું.
"તો શું તું એમ કહે છે કે આજે આપણે આપણા વિશાળ મેદાન તરફ નથી જવું, જ્યાં આજે ખાસ કંચાઓની બજાર લાગી છે?"
શ્રેષ્ઠાએ કહ્યું, "ના, આજે આપણે એ તરફ નહીં જઈએ. આજે હું તને નવી જગ્યાએ લઈ જઈશ."
"એમ?" "વારું ત્યારે." વારિણીએ કહ્યું.
વાત હતી ઈસવીસન પૂર્વે ૩૦૦૦ની, અને જગ્યા હતી જે આજે ધોળાવીરા કહેવાય છે તે. ખરેખર તો એ વખતે આ મહાન શહેરનું શું નામ હશે એ આપણને ખબર નથી, પણ સરળતા ખાતર અત્યારે આપણે આ શહેરને ધોળાવીરા જ કહેશું.
આ એ જ શહેર કે જે પોતાના વ્યાપાર, પોતાના પાણી વ્યવસ્થાપન અને અજોડ બાંધકામ માટે વિશ્વપ્રસિદ્ધ હતું. આ એ જ શહેર જે કચ્છમાં હડપ્પાની સંસ્કૃતિનું એક મોટું કેન્દ્ર હતું.
આ શહેરની બરાબર વચમાં એક મોટો કિલ્લો હતો, જેને ‘ગઢ’ કહેવામાં આવતો અને તેમાં આ શહેરના રાજા રહેતા હતા. એ પછી મિડલ ટાઉન, એટલે કે વચ્ચેનો કિલ્લો હતો, જેમાં આ શહેરના અધિકારીઓ અને પ્રતિષ્ઠિત પ્રધાનો વસવાટ કરતા હતા. અને એ પછી હતું સામાન્ય લોકો માટેનું ધોળાવીરા.
સામાન્ય લોકો માટેના ઘરો ધોળાવીરામાં બહુ જ વ્યવસ્થિત રીતે બનાવાયેલા હતા. આ ઘરો એકદમ ઓરસ-ચોરસ શેરીઓની વચ્ચે ખાના પાડીને બનાવવામાં આવ્યા હતા. રસ્તાઓ પહોળા હતા. અને આ ઘરોની વિશેષતા એ હતી કે ધૂળથી અને તડકાથી બચવા માટે એમાં કોઈ પણ બારી નહોતી. દરેક ઘર પાસે આંગણું હતું અને દરવાજો હતો.
ધોળાવીરાની સંરચનામાં જો સૌથી મોટો વિશેષ ભાગ હોય તો એ હતું તેનું અદ્ભુત જળ વ્યવસ્થાપન.
વારિણીએ કહ્યું, "શ્રેષ્ઠા, આપણે ક્યાં જઈએ છીએ આજે? "
"ચાલ ચાલ, તને બતાવું." શ્રેષ્ઠાએ એની આંખો નચાવી. બંને શહેરના પહોળા રસ્તા ઉપર ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા રસ્તામાં મોટું મેદાન આવ્યું. "આ તો બજાર જ આવી ગઈ ને, શ્રેષ્ઠા?" વારિણીએ કહ્યું.
"ના ના, ચાલ તું આગળ ચાલ. આપણે ક્યાંક આગળ જઈએ છીએ!" બંને સખીઓ હાથ પકડીને ચાલવા લાગી.
એ એક વિશાળ મેદાન, આજના એક ફૂટબોલ મેદાનથી પણ દોઢ ગણું હોય એટલું મોટું હતું. એ મેદાનની અંદર કેટલાય વેપારીઓ પોતાની વસ્તુઓ પાથરીને બેઠા હતા. કેટલાય પાસે મસાલા હતા, કેટલાય પાસે રેશમ હતું, કપડાં હતા, કેટલાય કંચા વેચતા હતા. એમ આખે આખું મેદાન ભરાયેલું હતું. અને આ મેદાનમાં એ વખતના કેટલાય લોકો ખરીદારી કરી રહ્યા હતા.
આ એક ચહેલપહેલવાળી બજાર હતી, અને કદાચ વિશ્વની એ વખતની આ કદાચ મોટામાં મોટી બજાર હતી. અહીં વ્યાપાર કરવા માટે વેપારીઓ ચર્ટ અને જાસ્પર પથ્થરમાંથી બનેલા ચોક્કસ ચોરસ ઘન વજનિયાંનો ઉપયોગ કરતા હતા, જે તોલમાપની સચોટતા અને નગરની ન્યાયપ્રિયતા દર્શાવતા હતા.
શ્રેષ્ઠા અને વારિણી આગળ આગળ ચાલવા લાગ્યા. બજાર પાર કરી, એટલે કે આ મોટું મેદાન પાર કર્યું, અને એ એક પગથિયાની આગળ આવી ગયા.
"શ્રેષ્ઠા, કઈ જગ્યા છે આ?" વારિણીએ કહ્યું. શ્રેષ્ઠાએ ઉપર સાઇનબોર્ડ બતાવ્યું. "જો, અહીંયા લખ્યું છે." એ સાઇનબોર્ડ કદાચ ઓગળેલા સફેદ સ્ફટિકના ટુકડાઓથી બનેલું દુનિયાનું સૌથી પહેલું સાઇનબોર્ડ હતું કે જેના ઉપર કોઈ વ્યવસ્થિત સૂચના લખેલી હતી.
આ કાષ્ટપટ્ટિકા (સાઈન બોર્ડ ) પર મોટા-મોટા રહસ્યમય દસ અક્ષરો અંકિત થયેલા હતા. પણ ધોળાવીરાની જે લિપિ છે, તે આજ દિવસ સુધી કોઈ ઉકેલી શક્યું નથી.
હા, વારિણી અને શ્રેષ્ઠા એ ઉકેલી શકતા હતા, પણ એ આજે પણ આપણે ઉકેલી શકતા નથી. શ્રેષ્ઠાએ બોર્ડ તરફ જોયું.
"ચલ, કેવી પાકી છે તું તો? ચાલ ચાલું તારી સાથે." વારિણી રહાસ્યમાંય સ્મિત સાથે બોલી.
બંને શહેરની અંદર ગયા. શહેરનું એ મિડલ ટાઉન હતું, અને મિડલ ટાઉનની અંદર બહુ જ સરસ એક કૂવાની વ્યવસ્થા હતી. કૂવો એ ખાસ વ્યવસ્થા કરતો હતો કે ગમે એવી યુદ્ધ કે કુદરતી આફત જેવા સમયમાં પણ પ્રધાનો, અધિકારીઓ અને રાજા ને કિલ્લા ની બહાર નીકળ્યા વગર પાણી મળી રહે.
આ કૂવાથી થોડેક જ દૂર એક મોટો કોઠાર હતો, જે કોઠારમાં અનાજ ભરી શકાય. અને એ કોઠારની રચના એવી હતી કે જો વરસાદ પડે તો પણ આ અનાજને ભેજ ન લાગે. આ કોઠાર એવો હતો કે જેનાથી રાજ્યસત્તા અને પ્રધાનોનું ગુજરાન ચાલી શકે.
શ્રેષ્ઠા અને વારિણી દોડતા દોડતા આગળ વધ્યા. "ચાલ ચાલ, કોણ પહેલું પહોંચે?"
વારિણીએ કહ્યું, "પહોંચીશ તો હું જ." અને એ લોકો પગથિયા કૂદતા કૂદતા આગળ ગયા. અને એ પગથિયા કૂદતા કૂદતા આગળ પહોંચ્યા.
તેમની નજર સામે હવે હતી જળ વ્યવસ્થાપનની વ્યવસ્થા. એટલે કે સારું અને ખરાબ પાણી બંને અલગ કરવાની વ્યવસ્થા. વિશ્વમાં પાણીના આ વ્યવસ્થાપન ની રીત અજોડ હતી.
વારિણી એ ધોળાવીરાના ઉચ્ચ અધિકારી ની પુત્રી હતી, અને શ્રેષ્ઠા એ નગરપતિની પુત્રી હતી. બંનેને આમ તો આખું ગામ ઓળખતું હતું, કેમ કે બંને ચંચળ હતી અને મોટા ઘરની દીકરીઓ હોવાને કારણે બધા એમને જાણતા હતા.
બંને આગળ વધી, અને આગળ એમણે જોયું તો મોટા મોટા કુંડ હતા, જે કુંડ બહારથી આવતા પાણીને ચોખ્ખું કરવા માટે બનાવવામાં આવ્યા હતા. વારાફરતી વારા હાથી પણ ઉતરી શકે એટલા મોટા અને ઊંડા કુંડ ગોઠવાયેલા હતા, જેમાં બારેથી વહેતી નદીઓનું પાણી આવે, (જેને અત્યારે આપણે માનસર અને મનહર કહીએ છીએ. એનું ત્યારે નામ શું હશે, આપણને ખબર નથી.)
આ નદીઓનું પાણી જ્યારે અંદર આવે ત્યારે એને શુદ્ધ કરી અને રાજમહેલના ઉપયોગ માટે અને લોકોના ઉપયોગ માટે મોટા મોટા ટાંકાઓમાં સાચવવામાં આવે.
બંને સખીઓ આગળ વધી, અને અંતે હવે એમની ખાસ જગ્યા આવી ગઈ....!
આજે એ લોકો પહોંચ્યા હતા ધોળાવીરાના સ્નાનાગારમાં, એટલે કે આજે આપણે જેને સ્વિમિંગપૂલ કહીએ છીએ એવી જગ્યાએ.
બંને નટખટ સખીઓ અંદર પહોંચી, અને ત્યાં કને કેટલાય લોકો જાહેર સ્નાનાગારનો લાભ લઈ રહ્યા હતા. કેટલાય યુવાકો અને યુવતીઓ પણ હતા.
બંને સખીઓ અંદર પહોંચી, પણ આ શું? અચાનક વારિણીનો પગ લપસ્યો, અને એ સીધે સીધી પાણીના કુંડ માં પડી.
"અરે બચાવો!" એણે રાડ પાડી..
હજી વારિણી કંઈ સમજે એ પહેલા એ બે મજબૂત હાથોના ટેકામાં હતી.
વારિણી મૂંઝાઈ ગઈ. "આ શું થયું? આ ક્યાં પડી ગઈ?" એણે તરત સામે જોયું. સામે એક સુંદર યુવાન હતો. વારિણી યુવાનને તાકી રહી. યુવાને કહ્યું, "આમ તાકી તાકીને શું જોવે છે? શું તું મને ઓળખતી નથી?"
વારિણીએ કહ્યું, "હા, તું તો અગ્નિ."
અગ્નિએ સ્મિત કર્યું અને બોલ્યો, "હા, હું એ જ અગ્નિ, જે શહેરના સ્થાપતિનો દીકરો છું."
વારિણીએ કહ્યું, "હા, તને તો હું ઓળખું જ ને? કેમ ના ઓળખું?" કરીને ઝાટકાથી એની બાહોમાંથી હટી ગઈ અને એકબીજા સામે જોઈ રહ્યા.
આમ તો બધે બચપણથી એકબીજાને ઓળખતા હતા પણ આજે બંનેને એવું લાગ્યું કે આજે એ જૂની ઓળખાણમાં કંઈક નવું બની રહ્યું છે.
થોડી ક્ષણો એમને એમ પસાર થઈ.
અચાનક જ વારિણીને શું સૂઝ્યું, તેણે અગ્નિની ઉપર છાલક મારી પાણીની..!
"એ શું કરે છે?" અગ્નિએ કહ્યું. જવાબમાં વારિણીએ સ્મિત આપ્યું. અગ્નિએ અનાયાસ જ સામે પાણીની છાલક ઉડાડી.
વારિણીનું હાસ્ય ચારેકોર રેલાઈ ગયું, અને બંને એકબીજાને પાણી ઉડાડવા લાગ્યા. બંને એકબીજાની સામે જોઈ રહ્યા. બંનેને લાગ્યું કે આજે એ જે પહેલા મળ્યા હતા એના કરતાં કંઈક અલગ જ ઘટી રહ્યું છે. બંને હસવા લાગ્યા અને એકબીજા સાથે રમવા લાગ્યા.
શ્રેષ્ઠાએ કહ્યું, "એ ચોરટી, કેમ ચોરી કરે છે? તારા પિતાજીને કહી દઉં?" વારિણીએ જવાબ વાળ્યો, "જા, કહી દે ને. આ જોને મને પાણી ઉડાડે છે, એને હું સામે પાણી ઉડાડું છું." એમ કરીને અગ્નિ અને વારિણી બંને હસી પડ્યા.
સ્નાનાગારમાં લોકો આ ઘટનાથી લગભગ અનભિજ્ઞ થઈને પોતાનું કામ પતાવી રહ્યા હતા. મોટા મોટા વેપારીઓ પણ આ જગ્યાએ આવતા અને સ્નાન અને આરામ સાથે પોતાની વાતોચીતો કરતા.
અગ્નિને આજે વારિણીની આંખોમાં જાણે પોતાનું ભવિષ્ય દેખાયું. એને લાગ્યું કે આ એ જ સ્ત્રી છે કે જેના માટે કદાચ આ આખો સંસાર બન્યો છે. એને લાગ્યું કે આ એ જ દિવસ છે, જે દિવસ માટે કદાચ એ આજ દિવસ સુધી રાહ જોઈ રહ્યો હતો. એ વારિણી સામે ટકટકી લગાવી જોઈ રહ્યો.
વારિણીને પણ લાગ્યું કે હવે જીવનમાં કોઈ મોટો બદલાવ આવી રહ્યો છે. એણે પણ અગ્નિ સામે જોયા કર્યું અને બંને એકબીજામાં જાણે ખોવાઈ ગયા.
પણ આ શું? અચાનક જ એક રડવાની ચીસ આવી. બંને અચાનક ધ્યાન ભંગ થયા અને જોયું તો એક વેપારી ભાઈ રડી રહ્યા હતા. પાણીમાંથી બંને બહાર નીકળ્યા.
બેઈ જણા એની પાસે પહોંચ્યા અને પૂછ્યું, "ભાઈ, તમે શા માટે રડો છો?" પેલા ભાઈએ કહ્યું, "કે હું પશુઓનો વેપારી છું અને આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ધોળાવીરાનું પાણી ખૂટવા આવ્યું છે. આજે પાણી છે, એ સુકાવા લાગ્યું છે અને મારા જે ઢોર ઢાંખર છે, એને હું હવે કેવી રીતે જીવતા રાખું, એ મારા માટે મોટો પ્રશ્ન છે. મારી નજર સામે તેમને હું તડપતા જોઈ નથી શકતો અને એટલે જ આજે મને ખૂબ રડવું આવી રહ્યું છે." આ સાંભળીને અગ્નિ એકદમ ચમકી ગયો.
એમની નિર્દોષ રમતમાં ભંગ પડી ગયો.
અગ્નિએ ફરી પૂછ્યું, "કેમ? એવું કેમ થયું? કેમ પાણી ખૂટ્યું છે?" પેલા ભાઈએ કહ્યું, "આમ તો આપણે ત્યાં ખૂબ સારો વરસાદ થતો હતો, પણ છેલ્લા જ થોડા સમયથી વરસાદ ઓછો થાય છે અને આપણી જે નદીઓ છે, એ નદીઓ સુકાતી જાય છે અને એ કારણે અત્યારે આપણી પાસે આ છેલ્લું પાણી છે. જો આ પાણી ખૂટશે અને પછી જો વરસાદ નહીં આવે, તો આપણું શહેર મુશ્કેલીમાં મુકાઈ જશે."
અગ્નિ એકદમ ગંભીર થઈ ગયો. એને સમજાયું કે આ બહુ જ મોટો સવાલ છે. અગ્નિ વારિણી અને શ્રેષ્ઠા પાસે આવ્યો.
ભીની ભીની વારિણી આથમતા તડકામાં અદ્ભુત લાગતી હતી, પણ અગ્નિનું ધ્યાન અત્યારે એ તરફ નહોતું.
અગ્નિના મન માં ધોળાવીરા ની પાણીની સમસ્યા ઘોળાવા લાગી હતી.
એણે મૂંઝાતા જ વારિણીને પૂછ્યું, "વારિણી, આ પાણી નથી, એ માટે આપણે શું કરી શકીએ?"
વારિણીએ કહ્યું, "કેમ? એમાં આપણે શું કરવાનું હોય? આપણા રાજા છે, પ્રધાન છે, નગરીના વેપારીઓ છે, એ લોકો આગળ આવીને કશુંક કરશે.
" એ લોકો કઈ રીતે સમસ્યાનું સમાધાન શોધશે?" અગ્નિને સવાલ થયો.
હા, બની શકે છે. એ લોકો પાસે કોઈ સમાધાન હોય. અગ્નિએ કહ્યું, "પણ મારો જીવ નથી રહેતો, વારિણી. હું જરા આ બાબતે વધારે તપાસ કરું છું."
એમ કહી, વારિણીને સ્મિત આપી ને અગ્નિ વેદના સાથે ત્યાંથી નીકળી ગયો.
વારિણી અને શ્રેષ્ઠા બંને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા.
અગ્નિ બહાર નીકળ્યો એસી તો સૌથી ધોળાવીરાના કિલાના સૌથી ઊંચા સ્થળ પર ગયો. એણે માનસર અને મનહર નદી તરફ નજર નાખી. બંને નદીઓ સાવ સુકાઈને રેતીના પટ બની ગઈ હતી. અગ્નિએ એ પણ જોયું કે જે કુંડ હંમેશા પાણીથી ભરેલા રહેતા હતા, એ બધા કુંડમાં હવે માંડ પગલાં બૂડે એટલું પાણી વધ્યું હતું.
અગ્નિ આગળ વધ્યો અને એ દુર્ગથી મિડલ ટાઉન અને મિડલ ટાઉનથી ધોળાવીરાના મુખ્ય શહેર તરફ ગયો. એ મુખ્ય શહેરમાં જે બજાર હતી, જે મોટું મેદાન હતું, ત્યાં પહોંચ્યો અને ત્યાં એણે લોકોની વાતો સાંભળવા પ્રયત્ન કર્યો.
લોકો વાતો કરતા હતા : પ્રધાનજી કહે છે કે એમણે પોતાની બધી જ કોશિશ કરી જોઈ, વ્યાપારી મંડળે પણ આસપાસ ખૂબ તપાસ કરી, પણ ક્યાંય એમને પાણી મળતું નથી. હવે જો આપણને પાણી નહીં મળે, તો પહેલા આપણા પશુઓ મરશે અને પછી આપણા સૌનો મરવાનો વારો આવશે.
આ સાંભળીને અગ્નિ એકદમ નિરાશ થઈ ગયો. એને લાગ્યું કે આવું કેમ બને? ક્યાંક તો પાણી હશે ને? ક્યાંક તો કોઈ ઝરણું હશે? ક્યાંક તો કોઈ એવી જગ્યા હશે કે જ્યાં પાણી વધ્યું હશે?
અગ્નિ આગળ આગળ ચાલ્યો. એણે એક વિદેશી વેપારીને જોયો. એ વિદેશી વેપારી પણ કહી રહ્યો હતો કે એને ધોળાવીરા સુધી પહોંચતા પહોંચતા રસ્તામાં ક્યાંય પાણી ના મળ્યું અને છેક ધોળાવીરા આવી અને એને તરસ છીપાવવી પડી, બહાર આખું રણ સુકાઈ ગયું છે.
અગ્નિને હવે ખાતરી થઈ ગઈ કે ધોળાવીરાને પાણીનો બહુ જ મોટો પ્રશ્ન આવી રહ્યો છે અને આ પ્રશ્નનો ઉકેલ લાવવો જ પડશે.
પ્રશ્ન વિશે વિચારતા વિચારતા ઉતાવળા પગલે અગ્નિ એના પિતા પાસે ગયો. પિતાને કહ્યું, "પિતાજી, ધોળાવીરામાં પાણી નથી. એનો ઉકેલ શું છે?"
પિતાએ નિસાસો નાખતા કહ્યું, "બેટા, અમે અમારા તરફથી બધી કોશિશો કરી ચૂક્યા છીએ. રાજાજીએ અને પ્રધાનોએ પણ પોતાથી બનતી બધી કોશિશ કરી છે, પણ અમને આસપાસ ક્યાંય પાણી મળ્યું નથી."
અગ્નિને અચાનક મનમાં વિચાર આવ્યો.
"શું હું પાણી શોધવા જાઉં?" તેણે પિતાજીને પૂછ્યું.
પિતાજીએ કહ્યું, "બેટા, અમે આટલા મોટા સ્થપતિઓ, પ્રધાનો અને અનુભવી વેપારીઓને લઈને આસપાસ શોધી આવ્યા અને અમને ના મળ્યું, તો તને કેમ મળશે?"
અગ્નિએ કહ્યું, "પિતાજી, આપણા પૂર્વજો કહેતા કે આપણો સંકલ્પ જ આપણી મોટી તાકાત છે. મને કોશિશ તો કરવા દો."
પિતાજીએ કહ્યું, "ભલે, બેટા, તું હવે યુવાન છે. તું બધું જાણે છે. તને આપણા વિસ્તારની પૂરી ઓળખ પણ છે. તને જો પાણી મળે, તો આપણા માટે એનાથી રૂડું બીજું શું હોઈ શકે?"
અગ્નિએ પિતાજીને નમસ્કાર કર્યા અને કહ્યું, "કે મને લાગે છે કે મારે આજે જ પાણીની શોધમાં નીકળી જવું જોઈએ." પિતાજીએ કહ્યું, "ભલે, તું જા. તારા માતાજીને કહેતો જાજે અને સાથે પાણીની મશક ભરીને લઈ જાજે, જેથી રસ્તામાં તને પાણીની તકલીફ ના પડે."
અગ્નિએ પાણીની મશક ઉપાડી માતાજી પાસે ગયો અને કહ્યું, "કે હું સાંજ સુધી કદાચ આવું કે કાલે પણ આવું. હું પાણીની શોધમાં જાઉં છું."
માતાને આશ્ચર્ય થયું, "અરે, બેટા, તું આટલો નાનો?"
અગ્નિએ કહ્યું, "ના, માતાજી, હવે તો હું મોટો થઈ ગયો છું."
માતાએ અગ્નિ સામે જોયું. એનો દીકરો હવે ખરેખર એક યુવાનમાં પરિવર્તિત થઈ ગયો હતો. પણ માતાને ચિંતા થઈ અને એણે કહ્યું, "બેટા, ધ્યાન રાખજે. ત્યાં ખૂબ તાપ પડતો હશે. પાણી નહીં હોય અને જંગલી જાનવરો પણ હશે."
અગ્નિએ કહ્યું, "તમે ચિંતા ના કરો. મને આપણા વિસ્તારનો પૂરો અનુભવ છે અને મને થોડો શક પણ છે કે કઈ જગ્યાએ પાણી મળી શકે. હું એ પ્રમાણે જ ચાલીશ અને સુરક્ષિત રહીશ."
માતાજીએ કહ્યું, "ભલે."
અને અગ્નિ નીકળ્યો પાણીની શોધમાં.
એ પાણીની શોધમાં નીકળ્યો ત્યારે ધોળાવીરાના ગામના દરવાજા પાસે, જ્યાં દસ અક્ષરોનું જગવિખ્યાત કાષ્ટપટ્ટિકાનું બોર્ડ લટકતું હતું, ત્યાં કોઈક ઊભું હતું.
એ કોણ હતું? એ હતી વારિણી.
વારિણીને લાગ્યું કે અગ્નિ હવે પાણીની શોધમાં જશે જ અને એટલે એને ખાતરી હતી કે એ આ દરવાજેથી બહારે નીકળશે. એટલે એ ત્યાં ઊભી હતી.
"કેમ, વારિણી, તું અહીંયા શું કરે છે?" વારિણી કંઈ બોલી નહીં. એણે અગ્નિની સામે જોયું. એની આંખોમાં ચિંતા હતી અને અગાધ પ્રેમ હતો. અગ્નિએ વારિણીનો હાથ પકડ્યો. "હા, વારિણી, મને પણ ખબર છે કે હું થોડા જોખમી રસ્તે જાઉં છું, પણ આપણે જો ધોળાવીરા બચાવવું હશે, તો આપણે પાણી જરૂર શોધવું પડશે. ભલે બીજા મોટા લોકોને ના મળ્યું, પણ હું એકલે હાથે આજે પાણી શોધવાની કોશિશ કરીશ."
વારિણીએ કહ્યું, "તું ધ્યાન રાખજે. ધોળાવીરાનું ભલું થાય એ માટે તું જોખમ લઈ રહ્યો છે. એમાં મારો સાથ છે."
અગ્નિએ વારિણી તરફ જોયું અને પછી એની દ્રષ્ટિ અગાધ રણ તરફ ગઈ કે જ્યાં પાણીનું ટીપુંય દેખાતું નહોતું અને એને કઈ તરફ સફર ચાલુ કરવી એ નક્કી કરવાનું હતું.
ધોળાવીરાની આ કિલ્લેબંધીવાળી ધરતી પર ક્યાંય શસ્ત્રો કે કોઈ સૈન્યના ચિહ્નો નહોતા, અહીં માત્ર શાંતિપ્રિય વ્યાપાર અને માનવ સંકલ્પની તાકાત હતી.
અગ્નિએ વિચાર્યું કે કોઈ લશ્કર આપણને પાણી નહીં લાવી આપે, મારે મારી સૂઝબૂઝથી જ આ રસ્તો કાપવો પડશે.
વારિણીનો હાથ મૂકીને એ એ દિશા તરફ ચાલી નીકળ્યો. એ ચાલતો ગયો, ચાલતો ગયો, ચાલતો ગયો....
બચપણમાં એણે મિત્રો સાથે આ બધા રસ્તાઓ ખૂંદ્યા હતા. એને ખબર હતી કે ક્યાં ધૂબાકા મારીને નાહી શકાય એટલું પાણી હતું. એને ખબર હતી કે ક્યાં નાના ઝરણા હતાં.
એને એમ હતું કે આ દરેક જગ્યાએ જઈને એ જોશે ને ક્યાંક એને કશુંક મળી જશે.
એ ચાલતો ગયો, ચાલતો ગયો. જે જગ્યાએ એ પાણીમાં ધૂબાકા મારતો હતો, એ જગ્યાએ માત્ર રેતી હતી. જે જગ્યાએ પાણીનું ઝરણું હતું, એ જગ્યાએ અત્યારે પથરા પડ્યા હતા.
ધોમધખતા તાપમાં અગ્નિને લાગ્યું કે એની પાણી શોધવાની જીદ કદાચ મૂકવી પડશે. કેમ કે એની બચપણની જેટલી જગ્યાઓ હતી, એ બધી જગ્યાઓ ઉપર અત્યારે પાણી નહોતું.
તાપ ખૂબ પડતો હતો. એની પાસે એક જ મશક પાણી હતું, પણ એ ચાલતો રહ્યો, ચાલતો રહ્યો, ચાલતો રહ્યો. એના પગ થાકવા લાગ્યા, પણ એની ધોળાવીરા માટે પાણી શોધવાની જીદ એ પડતી મૂકવા રાજી નહોતો.
એ નિરાશ હતો પણ હજી તેને એક જગ્યાએ જવાનું યોગ્ય લાગતું હતું.
અગ્નિ જ્યારે સૂરજ ડૂબવા આવ્યો અને આકાશમાં લાલ આભા રેલાઈ, ત્યારે એ જગ્યા પાસે પહોંચ્યો. આ જગ્યા ખડકોથી ઘેરાયેલી હતી અને આ જગ્યાએ એના બચપણનું સૌથી મોટું સરોવર હતું. અગ્નિને માટે આ એક છેલ્લો આશરો હતો કે જ્યાં કદાચ એને પાણી મળે. અગ્નિ ધીમે ધીમે કરતો લથડાતો ત્યાં સુધી પહોંચ્યો. મશકમાં રહેલું પાણીનું છેલ્લું ટીપું એ પી ગયો અને એણે સામે નજર કરી.
નજર કરતાં એ વધુ નિરાશ થયો. એણે જોયું કે પથરાળ ડુંગરાઓની વચ્ચે જ્યાં સરોવર ભરાયેલું હતું, ત્યાં અત્યારે કાંઈ દેખાતું નહોતું, માત્ર તિરાડો પડેલી સૂકી જમીન હતી.
અગ્નિને થયું કે એનો ફેરો અસફળ થયો, પિતાજીની વાત સાચી હતી. એને થયું કે ચાલો, હું પાછો વળી જાઉં. અને એ સાવ હિંમત હારીને પાછા પગલાં લેવા જતો હતો, ત્યાં જ એને ખડકોની પાછળથી પક્ષીઓનો અવાજ આવ્યો.
અગ્નિના કાન તરત જ સરવા થઈ ગયા. અરે, અહીંયા પક્ષીઓનો અવાજ! પક્ષીઓનો અવાજ તો જ આવે કે જો આસપાસ ક્યાંક પાણી હોય.
અગ્નિના પગમાં જોર આવી ગયું. એ એ ખડકો તરફ ચાલ્યો. એ સુકાયેલા સરોવરના પટમાં એ ઝડપથી ચાલવા લાગ્યો અને ખડકોની વચ્ચે પહોંચ્યો. આ શું? ખડકોની અંદર, જ્યાં સૂરજનો તાપ પહોંચતો નહોતો, ત્યાં એક કૂવા જેવી રચના હતી અને એ રચનામાં પૃથ્વીના પેટાળમાંથી સરસ મજાનું મીઠું પાણી લહેરાઈ રહ્યું હતું!
તે કોઈ રણનો ભ્રમ નહોતો, તે સાચે જ પાણી હતું, જે ધોળાવીરાથી બરાબર અડધા દિવસના અંતરે હતું. અગ્નિની આંખો હર્ષથી છલકાઈ ગઈ અને એણે તરત જ નીચે નમીને એ પાણી પીધું.
એ પાણીનો સ્વાદ સર્વશ્રેષ્ઠ હતો. આજે એને પાણીનો સ્વાદ સૌથી વધારે મીઠો લાગ્યો.
વાહ! અગ્નિના મનમાં વારિણી ઊભરાઈ આવી. હવે હું વારિણીને કહીશ કે મેં આ પાણી શોધ્યું છે. એના પગમાં જોમ આવી ગયું અને એણે હવે તો જાણે ધોળાવીરા તરફ પાછા વળવા માટે દોટ જ મૂકી.
દોડતો, દોડતો, દોડતો એ તરત જ ગાંડાની માફક મનમાં વારિણી, વારિણી બોલતો બોલતો ભાગ્યો. પોતાના ઉત્સાહમાં એ એ પણ ભૂલી ગયો કે ખરેખર એને આ વાતની જાણ તો રાજાને અને પ્રધાનોને કરવાની હતી, વારિણીને નહીં, પણ દીવાનો કોને કહે છે? ધોળાવીરાના ઓરસ ચોરસ પહોળા રસ્તાઓ ઉપર એ દોડવા લાગ્યો અને વારિણીના ઘર પાસે પહોંચી ગયો અને ચીસો પાડવા માંડ્યો, " વારિણી! વારિણી!"
લોકો આશ્ચર્યમાં પડી ગયા. વારિણીના પિતા બહાર આવ્યા, "કેમ, અગ્નિ, આ શું માંડ્યું છે?" એમણે કહ્યું,
"અરે, વારિણીને બોલાવો!" એણે એકી શ્વાસે કહ્યું.
ત્યાં તો વારિણી પોતે જ હાજર થઈ. "શું થયું, અગ્નિ? કેમ આટલું આકુળ વ્યાકુળ છે?" અગ્નિએ કહ્યું, "વારિણી, મને પાણી મળી ગયું છે!" આ સાંભળીને આસપાસ જેટલા લોકો ઊભા હતા, બધાના કાન સરવા થઈ ગયા.
વારિણીના પિતાજીએ કહ્યું, "હે, શું કહે છે, અગ્નિ? તને પાણી મળી ગયું છે?"
અગ્નિએ કહ્યું, "હા, મને પાણી મળી ગયું છે." ચારે કોર ટોળું ભરાઈ ગયું. કોઈકે રાજાને અને પ્રધાનોને જાણ કરી કે અગ્નિ પાણી શોધી આવ્યો છે. આમ તો અગ્નિ એ રાજાની પાસે જઈને વાત કહેવાની થાય, પણ રાજાને અને પ્રધાનોને પણ આ વાત જાણીને તરત તરત ત્યાં લોકો સમક્ષ હાજર થઈ જવાનું યોગ્ય લાગ્યું. અને રાજા પોતે જ ત્યાં અગ્નિ સમક્ષ હાજર થઈ ગયા અને ઉતાવળે પૂછ્યું, "બોલ, અગ્નિ, ક્યાં છે પાણી? હું હમણાં જ આપણા પશુઓ અને વેપારીઓની આખી મંડળી લઈને ત્યાં જાઉં છું."
અગ્નિએ કહ્યું, "ઓહો, મહારાજ, આ પાણી અહીંથી બહુ દૂર નથી. અહીંથી બસ અડધા દિવસની દોડ ઉપર એક મોટું ઝરણું છે અને એ ઝરણામાં હજી પણ પથ્થરોની વચ્ચે પાણી છે. હું તમને એ બતાવી શકું છું."
રાજાએ તરત જ હુકમ કર્યો, "ગામના જેટલા ઘોડા, જેટલા પણ પશુઓ, ઊંટ હોય, બધા જ લાવો. પ્રધાનો અને વેપારીઓ, તમારી મશકો અને પાણી ભરવાના સાધનો તૈયાર કરો. આપણે અત્યારે જ પાણી ભરવા જઈએ છીએ."
ગામના બધા જ લોકોએ પોતાના જેટલા ઢોર ઢાંખર હતા, કાઢ્યા. જેટલા ઘોડા હતા, જેટલા બળદ હતા અને બીજા પણ જેટલા પ્રાણીઓ હતા, બધા જ કાઢ્યા. અને પોતાના પાસે પાણી ભરવા માટે જે કંઈ પણ વ્યવસ્થા હતી, એ બધું જ ખડકી દીધું.
રાજાએ તરત તરત કહ્યું, "ચાલ, અગ્નિ, તું બેસી જા. તું થાક્યો હોઈશ, પણ ધોળાવીરાના જીવન માટે આપણે અત્યારે ને અત્યારે રાતોરાત આ પાણીની જરૂર છે. તો આપણે અત્યારે જ એ પાણી લેવા જઈએ છીએ."
ત્યાં તો અગ્નિની માં દોડતી દોડતી આવી અને એ અગ્નિને બાઝી પડી. કહ્યું, "બેટા, તે બહુ મોટું કામ કર્યું. હવે આપણે આ તકલીફથી બચી શકીશું." અગ્નિના પિતાજી પણ ત્યાં હતા અને એણે ઝડપથી અગ્નિના મોઢામાં એક લાડુ મૂકી દીધો. "બેટા, આખા દિવસનું તેં કાંઈ ખાધું નહીં હોય. ખાઈને પછી જા."
રાજાએ પણ એના પિતાજીને કહ્યું, "આપ ચિંતા ન કરશો. હું રસ્તામાં એને જરૂરથી સરસ ભોજન કરાવીશ, પણ અત્યારે મારે કાળી રાતે પણ પાણી લેવા જવું ખૂબ જરૂરી છે."
રસાલો મશાલના અજવાળામાં તૈયાર થયો. બધા જ ઘોડા ઉપર બેસી ગયા અને અગ્નિનો ઘોડો સૌથી આગળ ચાલ્યો.
થાકેલો, પણ ખૂબ રાજી અને વિજયી એવો અગ્નિ મનમાં ખુશ થઈ રહ્યો હતો કે આજે એણે પોતાના પુરુષાર્થથી ધોળાવીરાનો જીવ બચાવ્યો હતો. જે અંતર કાપતા એકલા અગ્નિને અડધો દિવસ લાગ્યો હતો, એ અંતર એમના પશુઓએ તો થોડા જ કલાકોમાં ઝડપથી કાપી નાખ્યું.
બધા એ ઝરણા પાસે પહોંચી ગયા અને એનું અખૂટ, મીઠું જળ પોતાની પખાલો અને માટીના વાસણોમાં ભરવા લાગ્યા.
રાજાએ એ જ વખતે એ વ્યવસ્થા ઊભી કરી કે રોજ અમુક વેપારીઓ અને પશુપાલકો ત્યાં જઈ ને પાણી લઈ આવે અને જે ધોળાવીરા ના ટાંકાઓમાં ઠલાવતા જાય.
ચારેકોર આનંદ ફેલાઈ ગયો બધા સહમત થયા રાજા અને અગ્નિ ધોળાવીરા તરફ પાછા ફરી ગયા. રાજાએ પોતાના મહેલમાં મોડી રાત્રે અગ્નિને સરસ ભોજન કરાવ્યું.
અને આમ કરતાં કરતાં એક અઠવાડિયામાં તો બધા જ પાણીના કુંડ ભરાવા લાગ્યા.
જ્યારે નગરમાં પાણી પાછું આવ્યું, ત્યારે ધોળાવીરાના જગવિખ્યાત મહામેદાન એટલે કે સ્ટેડિયમમાં એક ભવ્ય વિજય ઉત્સવ આયોજિત કરવામાં આવ્યો.
પણ આ ઉત્સવ અનોખો હતો—ત્યાં કોઈ મંદિર નહોતું, કોઈ મૂર્તિ નહોતી, કોઈ દેવી-દેવતાઓના ચિત્રો કે પૂજા-અર્ચના નહોતી, કે ના તો કોઈ ધાર્મિક વ્રત કે કર્મકાંડ હતો.
ધોળાવીરાના લોકો કોઈ આજના પ્રચલિત ધર્મને માનતા નહોતા, ત્યાં કોઈ વેદી નહોતી. ન તો કોઈ પણ પ્રકારના ઈશ્વરની કોઈ પ્રતિમા હતી.
આ ઉત્સવ માત્ર ને માત્ર માણસના પોતાના અપ્રતિમ પુરુષાર્થ, વૈજ્ઞાનિક સૂઝબૂઝ અને કુદરત પ્રત્યેના આદરનો એક ભૌતિક ઉત્સવ હતો.
નગરજનો સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા અને અગ્નિના આ સાહસને બિરદાવી રહ્યા હતા.
આ ઉત્સવના માહોલમાં, સ્નાનાગારના પથ્થરના પગથિયાં પર ફરી પાછા અગ્નિ અને વારિણી એકબીજાની સામે બેઠા.
પાણીમાં બંનેના પડછાયા લહેરાતા હતા. હવે તો શ્રેષ્ઠાને અને આખા ગામને એ વાતની ખબર પડી ગઈ હતી કે અગ્નિ અને વારિણી વચ્ચે કંઈક ખાસ ચાલી રહ્યું છે. જાણે આખું ધોળાવીરા ખુશીથી તેમાં પોતાની મૂક સંમતિ આપી રહ્યું હતું.
ખરું પૂછો તો વારિણીના પિતા પણ હવે આંખ આડા કાન કરી રહ્યા હતા, કારણ કે અગ્નિ હવે નગરનો નાયક હતો. એટલુંજ નહીં પણ તેમના માટે પણ નાયક હતો.
અગ્નિએ વારિણીને કહ્યું, "જો હું પાણી શોધી આવ્યો ને?" વારિણીએ કહ્યું, "હા, તું શોધી તો આવ્યો, અગ્નિ, પણ મને ભવિષ્યની ચિંતા થાય છે."
"કેમ?" અગ્નિએ કહ્યું. વારિણીએ કહ્યું, "આ વખતે તો આપણને પાણી મળી ગયું અને કદાચ આ મોસમ આપણે ટકી જઈશું, પણ હવે પછીનું શું?"
અગ્નિ ગંભીર બની ગયો. "તારી વાત સાચી છે, વારિણી. આપણે આપણા ભવિષ્ય માટે વિચારવું જ પડશે. આપણે એ જોવું જ પડશે કે આપણી ભવિષ્યની પેઢી માટે શું ધોળાવીરામાં રહેવું યોગ્ય રહેશે?."
વારિણીએ કહ્યું, "અગ્નિ, મને તો એવું લાગે છે કે આપણે અહીંથી ધીમે ધીમે નીકળતા જવું જોઈએ. આ આપણું મહાન ધોળાવીરા પાણીની અછતનો સામનો કરી રહ્યું છે અને આ અછત કોઈ એક પહાડી ઝરણાથી કાયમ માટે છીપાય એવી નથી. એટલે જ આપણે આપણો રસ્તો કરી લેવો પડશે."
અગ્નિએ કહ્યું, "તારી સાચી વાત છે, વારિણી. મને લાગે છે કે આપણે આ વાત રાજાજીને અને પ્રધાનોને પણ કહેવી જોઈએ અને આપણા માતા-પિતાને પણ આ વાત કરવી જોઈએ."
વારિણીએ કહ્યું, "હા, સાચી વાત છે. અહીં આવતા વેપારીઓ, કારીગરો અને અહીં રહેતા તમામ લોકોને પણ આપણે આ વાત કહી દેવી જોઈએ કે બધાએ પોતાની વૈકલ્પિક વ્યવસ્થા હવેથી જ કરવી પડશે. ધોળાવીરામાં હવે પાણીની કાયમી અછત ઊભી થઈ ગઈ છે અને આ અછતને કારણે પહેલાની માફક ધોળાવીરા હવે ટકી શકે એમ નથી."
અગ્નિ અને વારિણી એકબીજાની આંખોમાં એકબીજાનું ભવિષ્ય જોઈ રહ્યા...
......તો આ હતી વારિણી અને અગ્નિની વાર્તા.
ઈસવીસન પૂર્વે ૩૦૦૦ નો એ સમય, જ્યારે ધોળાવીરા એક એવું શહેર હતું જે હડપ્પાની સંસ્કૃતિના આકાશમાં એક શિરમોર ચંદ્રમા સમાન વૈભવી હતું. પરંતુ સમય જતાં પ્રકૃતિના બદલાતા મિજાજ અને પાણીની તીવ્ર મુશ્કેલીને કારણે આ શહેર ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યું.
વારિણી અને અગ્નિ જેવા યુવક-યુવતીઓની દીર્ઘદ્રષ્ટિને કારણે, લોકો ધીમે ધીમે પોતાનું ભવિષ્ય કંડારવા માટે, પોતાની સંપત્તિ અને પશુધનને સાચવીને આ નગરીમાંથી બહાર નીકળતા ગયા.
એક વખતે જે શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચહેલપહેલ હતી, જે શહેરમાં વિવિધ પ્રકારના અદ્ભુત સીલ અને મુદ્રાઓ દ્વારા વ્યાપાર થતો હતો, એ શહેર ધીમે ધીમે પાંખું પડવા લાગ્યું. અને એક વખત એવો આવ્યો કે એ પથ્થરના ભવ્ય કિલ્લાઓ સાવ સૂમસામ થઈ ગયા.
એક વખત એવો આવ્યો કે એ શહેરમાં એકેય માણસ ના બચ્યો, એકેય પરિવાર ના બચ્યો, અને બધા જ લોકો ક્યાંક ને ક્યાંક નદી કિનારાના મેદાનોમાં પોતાનું ભવિષ્ય સાચવવા નીકળી ગયા.
પાછળ રહી ગયું માત્ર પથ્થરોનું એક મૌન સ્થાપત્ય, જે આજે પણ આપણા પૂર્વજોના અપ્રતિમ પુરુષાર્થ અને સંઘર્ષની અમર ગાથા સંભળાવી રહ્યું છે.
આ હતો પ્રથમ ભાગ.
🌸🌸🌸🌸
બોલો જય કચ્છ !
- મારું ભુજ, સર્વોતમ ભુજ
🌸🌸🌸🌸
Comments
Post a Comment